બાડમેરના ચોહટન વિસ્તારના રણમાં બંને સંતાયા હતા
કેટલાક દિવસો પૂર્વે ઊંઝા શહેરમાંથી પકડાયેલા 30 લાખના એમડી ડ્રગ્સ કેસમાં વોન્ટેડ આરોપીઓ એવા બંને ભાઈઓને એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે બાડમેરના રણ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે તપાસકર્તા વડનગર પોલીસની ટીમ પણ બાડમેર ગઈ હતી પરંતુ તેમને આરોપી મળ્યા નહોતા.
ઊંઝા સહિત કયા કયા શહેરોમાં અને કોને કોને ખતરનાક એમડી ડ્રગ્સનું વેચાણ કરાતું હતું જેવા પ્રશ્નોના જવાબ મેળવવા વોન્ટેડ બંને આરોપીઓને પકડવા ખૂબ જ જરૂરી હોય એલસીબી પીઆઇ અજીતસિંહ વાળાએ પેરોલ ફર્લો સ્કવોડ અને એલસીબીની બનાવેલી પીએસઆઇ એસ ડી રાતડાની સંયુક્ત ટીમેં આરોપીઓને ઝડપી પાડવા બાડમેરમાં ધામા નાખ્યા હતા. ત્યારે પીએસઆઇ રાતડાને મળેલી ખાનગી બાતમીને આધારે બાડમેર જિલ્લાના ચોહટન તાલુકાના રણ વિસ્તારમાંથી સતારામ ખેતારામ ગોદારા અને ગમડારામ ખેતારામ ગોદારા આરોપી એવા બંને ભાઈઓને ઝડપી પાડ્યા હતા.
આરોપીઓ મુંબઇથી ડ્રગ્સ લાવતા હતા
ઝડપાયેલા આરોપીઓ બંને ભાઈઓની પી એસ આઈ રાતડાએ કરેલી પ્રાથમિક પૂછપરછમાં ડ્રગ્સનો લાખોની કિંમતનો આ જથ્થો મુંબઈથી વેચાણ માટે લાવતા હતાનું બહાર આવવા પામ્યું છે.
એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ની ટીમના એસ ડી રાતડા એ જણાવ્યું હતું કે ચોહટન ના રણ વિસ્તારમાં આરોપીઓ સંતાયા હોવાની સ્થાનિક બાતમીદારે આપેલી બાતમીને આધારે અમે રણમાં પહોંચતા આરોપીઓ ધરપકડથી બચવા ભાગ્યા હતા. ત્યારે પોતે અને ટીમે બે કિલોમીટર સુધી દોડી ને આરોપીને પકડી લીધા હતા.