કડીના કૈયલ સ્થિત માઈ ભક્તોની આસ્થાનુ કેન્દ્ર બનેલ ઓમ ભગવતી શ્રી મેલડી માતાજી મંદિરના પૂજ્ય રમણ માડીના સાંનિધ્યમા ગુરૂપૂર્ણિમાના પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ હતી.માડીના દર્શને મોટી સંખ્યામા દૂર દૂરથી માઈ ભક્તો ઉમટી પડ્યા હતા.ગુરૂપૂર્ણિમાના પર્વે દર વર્ષેની જેમ બુધવારે 13મો તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો.જેમા 360 તેજસ્વી વિધાર્થીઓનુ સન્માન કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી,ગુજરાત રાજ્યના પૂર્વ જોઈન્ટ સેક્રેટરી એ.બી.પરમાર,પૂજ્ય ગિરીશભાઈ રોહિત સહિત માડીના માઈ ભક્તોની ઉપસ્થિતીમા કરાયુ હતુ.
ભારતીય સંસ્કૃતિમાં ગુરુ-શિષ્ય પરંપરાનું ખૂબ મહત્વ હોઇ ગુરુપૂર્ણિમા નિમિત્તે બુધવારે ગુરુના આશીર્વાદ મેળવી શ્રદ્ધાળુઓ બહુચર માતાજીના દર્શનાર્થે ઊમટી પડતાં બહુચરાજી મંદિરમાં હૈયેહૈયું દબાય તેવી ભીડ જામી લાગી હતી. વહેલી સવારથી શરૂ થયેલો ભક્તોનો પ્રવાહ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. રાત્રે માતાજીની શોભાયાત્રામાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા, આ પ્રસંગે બોલ મારી બહુચર જય જય બહુચરના જયઘોષથી માઇધામ ગૂંજી ઊઠ્યું હતું.
યાત્રાધામ શંખલપુરમાં બુધવારે અષાઢ સુદ ગુરુપૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો બહુચર માતાજીના દર્શનાર્થે ઊમટી પડ્યા હતા. પૂનમને લઈ મંદિર પરિસરને રંગબેરંગી ફૂલોથી શણગારાયું હતું. મૈયાને ફળફળાદીનો અન્નકૂટ ધરાવાયો હતો. સવારે ધ્વજારોહણ કરાયું હતું. 20થી વધુ પગપાળા સંઘોએ પધારી માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ટોડા ટ્રસ્ટ સંચાલિત અન્નક્ષેત્રમાં મોટી સંખ્યામાં માઇભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.