મહેસાણા ગંજબજાર નજીક આવેલી ઉમિયાનગર, કપીલનગર, ચંદ્રોદય-1 અને 2, તોરણનગર, ચામુંડાનગર અને બિંદુનગરમાં છેલ્લા 6 મહિનાથી અવારનવાર ગટર ઉભરાવાની સમસ્યાથી રહીશો તોબા પોકારી ઉઠ્યા છે. અસહ્ય દુર્ગંધના કારણે અને સોસાયટીના રસ્તામાં ગંદા પાણીના કારણે રોગચાળો ફેલાવાની ભીતિના પગલે શુક્રવારે મહિલાઓ નગરપાલિકા દોડી આવી હતી અને કાયમી સમસ્યા હલ કરવા રજૂઆત કરી હતી.ગંજબજાર પાછળના સોસાયટી વિસ્તારના ગંદા પાણીનો જનતાનગરના પમ્પિંગ સ્ટેશનથી નિકાલ થતો હોય છે.
પરંતુ આ પમ્પિંગ સ્ટેશન વારંવાર ખોટવાતું હોઇ ગટરની પાણી કુંડીઓ ઉભરાઇને રસ્તામાં પાણી રેલાતાં લોકોને હાલાકી થઇ પડે છે. નગરપાલિકા તંત્ર દ્વારા ઉમિયાનગર પાસે કુંડીમાં મોટર ઉતારીને પાણીનું પમ્પિંગ કામચલાઉ શરૂ કરાયું હતું. આ દરમ્યાન જનતાનગરના ખોટવાયેલા પમ્પિંગ સ્ટેશનની મરામત કરી મોટર ઉતારી પમ્પિંગ શરૂ કરાયું હતું.
જેમાં બે વખત મોટર બળી જવાથી ફરી ગટરના ગંદા પાણી સોસાયટીઓના રસ્તામાં ઉભરાવાની સમસ્યાએ માથુ ઊંચક્યું છે. ભૂગર્ભ ગટર સમિતિના ચેરમેનના વિસ્તારમાં જ ગટર ઉભરાવાની વારંવાર સમસ્યાનો પાલિકા કાયમી હલ કરવામાં ફાંફે ચઢ્યું છે. શુક્રવારે બપોરે સોસાયટીઓની મહિલાઓ પાલિકા દોડી આવી જ્યાં અધિકારી નહીં મળતાં લેખિત રજૂઆત શાખામાં આપીને પરત ફરી હતી.