વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે અમદાવાદની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. તેઓ અહીં કરોડો રૂપિયાના વિવિધ લોકાર્પણ- ખાતમુહૂર્ત કર્યુ છે. જેના પગલે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને પારખીને તેમને જોઈતી સુવિધા આપે છે તેમ CM ભૂપેન્દ્ર પટેલે સભાને સંબોધતા જણાવ્યું હતું.
PM મોદીનું સંબોધન
વડાપ્રધાને વિકાસના કાર્યને આગળ વધારવા માટે શુભકામનાઓ પાઠવી હતી. દુનિયાની સૌથી એડવાન્સ મેડિકલ ટેક્નોલોજી, વધુ સુવિધાઓ ગુજરાતમાં ઉપલબ્ધ થશે. જે લોકો ખાનગી હોસ્પિટલોમાં જઈ નથી શકતા તેમના માટે સરકારી સુવિધાઓ તૈયાર છે. આજે મેડિસિટી કેમ્પસ ભવ્ય સ્વરૂપમાં ઓછા સમયમાં તૈયાર થયું છે. ગુજરાત કેન્સર ઈન્સ્ટીટ્યુટની નવી બિલ્ડિંગની સાથે બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટની સુવિધાઓ શરૂ થઈ છે. તમામ ગુજરાતીઓને આ ઉપલબ્ધિઓને શુભકામનાઓ પાઠવું છું. હું મુખ્યમંત્રી અને તેમની સરકારની પ્રસંશા કરું છું.
ગુજરાત તમામ બીમારીઓને પાછળ છોડીને આગળ ચાલી રહ્યું છે
હું ડોકટર નથી છતાં મારે અલગ અલગ બીમારીઓ સરખી કરી છે. 20 વર્ષ અગાઉ અનેક બીમારી હતી, જેમાં સ્વાસ્થ્ય, શિક્ષા,વીજળી,પાણી,કુશાસન,ખરાબ કાનૂન વ્યવસ્થા હતી. 20થી 25 વર્ષ પહેલાં ગુજરાતની વ્યવસ્થાને અનેક બીમારીઓને જકડી રાખી હતી. સારા ઈલાજ માટે લોકોને ભટકવું પડતું હતું. વીજળી માટે રાહ જોવી પડતી હતી. પરંતુ આજે ગુજરાત તમામ બીમારીઓને પાછળ છોડીને આગળ ચાલી રહ્યું છે. આજે વાત થાય છે હાઈટેક હોસ્પિટલની ત્યારે ગુજરાતનું નામ સૌથી ઉપર રહે છે. હું મુખ્યમંત્રી હતો ત્યારે સિવિલમાં અનેક વખત આવતો હતો. રાજસ્થાન, મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારો મોટી માત્રામાં સિવિલમાં ઈલાજ માટે આવવાનું પસંદ કરતા હતાં.