2 પાઇલટ સહિત 5 શ્રદ્ધાળુનાં મોત; ટેકઓફ થતાંવેંત ક્રેશ થયું હેલિકોપ્ટર, ચારે બાજુ કાટમાળ વિખેરાયો
ઉત્તરાખંડમાં આજે એક મોટો અકસ્માત થયો હતો. કેદારનાથ ધામમાં બપોરે 12 વાગ્યાની આસપાસ એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે કેદારનાથથી બે કિલોમીટર દુર ગરુડચટ્ટીમાં આ અકસ્માત સર્જાયો હતો. હેલિકોપ્ટર ક્રેશમાં 2 પાઇલટ સહિત 5 શ્રદ્ધાળુનાં મોત થયાં છે.
મંગળવારે કેદારનાથથી 2 કિ.મી. દૂર એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. અકસ્માતમાં 7 લોકોનાં મોતના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર આર્યન હેલી કંપનીનું હતું. એ ગરુડચટ્ટી પાસે ક્રેશ થયું હતું. ઉત્તરાખંડના મુખ્યમંત્રીના વિશેષ મુખ્ય સચિવ અભિનવ કુમારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાયલોટ સહિત 7 લોકોના મોતની પુષ્ટિ કરી છે. આ દુર્ઘટના એવા સમયે બની છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21-22 ઓક્ટોબરે કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાત લેવાના છે.
ખરાબ હવામાનને કારણે અકસ્માત સર્જાયો
કેદારનાથના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે અહીં ભારે વરસાદ પડી રહ્યો હતો. માત્ર 15 મિનિટમાં હવામાન અચાનક ખરાબ થઈ ગયું હતુ. આ પછી અમારી ઉડાનને પણ અટકાવી દેવામાં આવી હતી. અમને કહેવામાં આવ્યું કે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. તેમણે જણાવ્યું હતું કે આ હેલિકોપ્ટરમાં માત્ર શ્રદ્ધાળુઓ જ સવાર હતા.
પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
પીએમ મોદીએ કેદારનાથ હેલિકોપ્ટર દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમએ ટ્વિટ કરીને કહ્યું કે, ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર દુર્ઘટનાથી દુઃખી છું. આ દુઃખદ સમયમાં મારી સંવેદના મૃતકોના પરિવારો સાથે છે.
અમિત શાહે દુ:ખ વ્યક્ત કર્યું
અમિત શાહે ટ્વીટ કર્યું- કેદારનાથમાં શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરના દુર્ઘટનાની ઘટના ખૂબ જ દુઃખદ છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોના પરિવારજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.