અંબાજી ખાતે પ્રાથમિક સારવાર કેન્દ્ર
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહા મેળામાં માનવ મહેરામણ ઉમટતું જોવા મળે છે, ત્યારે આ મહા મેળામાં આવનાર યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મેળા દરમિયાન યાત્રાળુઓને આરોગ્ય વિષયક તકલીફ ન ઊભી થાય તે માટે વિવિધ જગ્યાએ પ્રાથમિક સારવાર કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે. આ પ્રાથમિક સારવાર કેન્દ્ર દ્વારા યાત્રાળુઓને આરોગ્ય વિષયક સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. ખોડીવલી સર્કલ પાસે કાર્યરત પ્રાથમિક સારવાર કેન્દ્રમાં યાત્રાળુઓને આરોગ્ય વિષયક સવલત આપવામાં આવી રહી છે.
ડોક્ટર્સ ધ્વારા સરાહનીય કામગીરી
ખોડીવલી ખાતે પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર રાજેશ પ્રજાપતિ જણાવે છે કે, ભાદરવી પૂનમના મેળામાં આરોગ્ય વિભાગ દ્વારા ખોડીવલી ખાતે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે. તેમાં તેઓ છેલ્લા ત્રણ દિવસથી ફરજ બજાવી રહ્યા છીએ. શરૂઆતમાં અંદાજિત 150 જેટલા ઓપીડી કર્યા હતા અને આજે યાત્રાળુઓનો ધસારો વધુ હોવાને કારણે લગભગ સાડા ૩૫૦ થી વધુ ઓપીડી થઈ ગઈ છે. વધુમાં તેઓ જણાવે છે કે તેઓના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર દરેક પ્રકારના દર્દીઓ સારવાર માટે આવે છે અને તેમને દરેક પ્રકારની પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. શ્વાસોશ્વાસની તકલીફ, સીઝર આવવી, બ્લડપ્રેશરની તકલીફના દર્દીઓ અહીં સારવાર માટે આવે છે જો તેમને વધારે તકલીફ જણાય તો અમે CDH કે SDH હોસ્પિટલ રીફર કરીએ છીએ.
દર્દીઓને આપવામાં આવે છે સંપૂર્ણ મેડીકલ ચેકપ
આ પ્રાથમિક સારવાર કેન્દ્રમાં સારવાર મેળવનાર દર્દી ઠાકોર જશપાલસિંહ (દર્દી) જણાવે છે કે તેઓ રાધનપુરથી અંબાજી દર્શન માટે આવ્યા હતા અને વરસાદમાં પલળવાના કારણે શરદી ખાંસી થઈ હતી તેમજ પગ વધુ તૂટતા હતા તો અહીંયા તેઓએ સરકારશ્રીના આરોગ્ય કેમ્પ ખાતે આવ્યા અને ડોક્ટર્સ ધ્વારા તેઓને ઇન્જેક્શન અને ટેબલેટ આપવામાં આવ્યા જેનાથી તેઓના શરીરમાં ઘણી રાહત થઈ હતી.