નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલાં અનેક ગામડાઓ હજી પણ માળખાકીય સુવિધાઓથી વંચિત જોવા મળી રહયાં છે. ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી ગામમાં રહેતી 75 વર્ષીય વૃધ્ધા બિમાર પડતાં તેને ઝોળીમાં સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી. વૃધ્ધાના પુત્રએ સોશિયલ મીડીયામાં વિડીયો વાયરલ કરી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.
સરકારના વિકાસના દાવાઓ પોકળ સાબિત થયા
નર્મદા જીલ્લામાં વરસાદનો પ્રારંભ થઇ ગયો છે અને હજુ માંડ 20 ટકા વરસાદ પડ્યો છે તેમાં સરકારના વિકાસના દાવાઓ પોકળ સાબિત થઈ ગયા છે. ઝરવાણી સહિતના અંતરિયાળ વિસ્તારમાં આવેલાં ગામોના રસ્તા ધોવાઈ જતાં વાહનો જઇ શકે તેવી સ્થિતિમાં નથી. દેશમાં આઝાદીકા અમૃત મહોત્સવ ની ઉજવણી કરવમાં આવી રહી છે તથા પ્રધાનમંત્રીના 8 વર્ષના સુશાસનની ઉજવણીની વાતો લોકો સુધી પહોંચાડવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરાય રહયો છે.
75 વર્ષીય માતા બીમાર પડતાં દવાખાને લઇ જવા મૂંઝવણ
નર્મદાના અંતરિયાળ ગામડાઓમાં પાકા રસ્તા અથવા નદીઓ પર પુલના અભાવે લોકોને ચારથી પાંચ કીમી ચાલીને મુખ્ય રસ્તા સુધી આવવું પડે છે અને આવામાં ગામમાં કોઇ બીમાર પડે તો તેને ઝોળી બનાવી તેમાં નાંખી દવાખાને પહોંચાડવાની ફરજ પડતી હોય છે. ઝરવાણી ગામના યુવકે સોશિયલ મીડિયામાં વિડીઓએ વાયરલ કરી સરકારને આદિવાસી વિસ્તારની પરિસ્થિતિ બતાવવાની કોશિશ કરી હતી. ઝરવાણીના ઉખાકુંડ ફળિયામાં રહેતા ધીરજ વસાવાના 75 વર્ષીય માતા બિમાર પડતાં તેમને દવાખાને લઇ જવાનો પ્રશ્ન ઉભો થયો હતો. આખરે કાપડની ઝોળી બનાવી વૃધ્ધાને દવાખાને લઇ જવામાં આવી હતી.
દર્દીઓને ઝોળીમાં નાંખી ખભે ઊંચકી દવાખાને લઇ જવા મજબૂર
આજે પણ નર્મદાના અંતરિયાળ એવાં ગામો છે જ્યાં 108 પણ જઈ શકતી નથી. જેથી આદિવાસીઓ બીમાર દર્દીઓને ઝોળીમાં નાંખી ખભે ઊંચકી દવાખાને લઇ જવા મજબૂર છે. ઝરવાણી ગામના યુવાને પોતાની ૭૫ વર્ષીય માતા બીમાર પડતા શ્રવણની જેમ કાવડ જેવી ઝોળી બનાવી દવાખાનામાં સારવાર માટે લાવ્યા હતાં.