- સવારે ખેતરમાં ખેડૂત આવતાં તેમને જાણ થતાં પોલીસને જાણ કરાઈ
કડી તાલુકાના વિડજ ગામે રોડ ઉપર આવેલા ખેતરના ટ્યૂબવેલનો કોપરનો કેબલ ચોરી અને ઓરડીમાં લગાવેલ ડી.પી તથા અન્ય વસ્તુને તોડફોડ-નુકશાન કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ જતાં ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી.
ઈસમો 15 મીટર ટ્યુબવેલનો કેબલ કાપીને ફરાર થઈ ગયા
કડી પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી ખેતરમાં લગાવેલા ટ્યુબવેલના કેબલોની ચોરીની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કડી તાલુકાના વિડજ ગામે જય માતાજી હોટલની સામે વિડજ ગામના ખેડુત ઝાલા બચુભા ગજુભાના ખેતરમાંથી રાત્રે અજાણ્યા ઈસમો 15 મીટર ટ્યુબવેલનો કેબલ કાપીને ફરાર થઈ ગયા હતા. જ્યારે ખેડૂત સવારે ખેતરમાં આવ્યા ત્યારે ખેતરમાં આવેલી ઓરડીની અંદર તોડફોડ અને નુકસાન કર્યુ હતું, ડી.પી જોતા તેઓ હચમચી ઉઠ્યા હતા. જ્યારે આજુબાજુ તપાસ કરતાં તેમને માલુમ પડ્યું હતું કે તેમના ખેતરમાંથી આશરે 15 મીટર કોપરના કેબલની ચોરી થઈ છે, જેની કિંમત આશરે રૂપિયા 30 હજાર છે. કેબલની ચોરી થતાં તેમણે પોલીસને જાણ કરી હતી અને કડી પોલીસે ઘટના સ્થળે દોડી આવીને કાર્યવાહી હાથ ધરી હતી. કડી પોલીસે વિડજ ગામના ખેડુતની જાણવાજોગ ફરિયાદ લઇને સંતોષ માન્યો હતો.