ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે-બે સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતભરમાં મેઘમહેર જોવા મળી રહી છે. આજે મેઘરાજા ગુજરાતની ધમરોળી રહ્યા છે.
તાપી જિલ્લામાં અનરાધાર વરસાદ
તાપી જિલ્લામાં અનરાધાર વરસાદથી 23 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. સુરતના મહુવામાં 6 ઈંચ અને ઉનામાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબકતા ચારેબાજુ પાણી જ પાણી થઈ ગયું છે. તેમજ રસ્તાઓ તળાવ બની ગયા છે. તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વ્યારા તાલુકાના પાનવાડી નજીકના ખેતરોમાં પાણી ભરાયા હતા.
ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ
ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉના, તાલાલા, કોડીનાર, સુત્રાપાડામાં વરસાદ વરસ્યો હતો. ઉનાના આનંદ બજારમાં કેડસમા પાણી ભરાયા હતા. સુત્રાપાડામાં ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા હતા. કોડીનારના અલગ અલગ વિસ્તારો જળબંબાકાર થયા હતા. ગીર સોમનાથના ઉનામાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદથી ઉના શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. આનંદ બજારમાં કમર સુધી પાણી ભરાઇ ગયા હતા. પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
નવસારીના જલાલપોર તાલુકામાં પણ ભારે વરસાદ
નવસારીના જલાલપોર તાલુકામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, નવસારીના જલાલપોર તાલુકાના વેસ્મા ગામમાં ભારે વરસાદના કારણે મુખ્ય બજારમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે હાઇવેથી જતા મુખ્ય બજારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. મુખ્ય બજારમાં પાણી ભરાતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાણી ભરાવાના કારણે બજારમાંથી પસાર થતા અનેક વાહનો બંધ પડ્યા હતા. પાણીનો યોગ્ય નિકાલ ના થતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
અરવલ્લીના બાયડ તાલુકાના જીતપુરમાં આભ ફાટ્યું
અરવલ્લીના બાયડ તાલુકાના જીતપુરમાં આભ ફાટ્યું હતું. માત્ર એક કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. જીતપુર ગામમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જીતપુર ગામની ગલીઓમાં નદી જેવા હાલ થયા હતા
રાજ્યમાં ચોમાસું બરોબરનું જામ્યુ છે અને અનેક જિલ્લાઓમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમા સૌથી વધુ સુરત જિલ્લાના બારડોલીમાં 5 ઈંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. રાજ્યમાં જામેલા વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યુ છે.