નાગરિકોના પ્રશ્નોના સરળતાથી અને ઝડપી ઉકેલ માટે રાજયભરમાં બે દાયકાથી સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ ત્રિસ્તરીય સ્વાગત કાર્યક્રમ તાલુકા, જિલ્લા અને રાજય કક્ષાએ યોજાય છે. ગાંધીનગર જિલ્લા કલેકટર હિતેષ કોયાના અઘ્યક્ષ સ્થાને કલેકટર કચેરી, ગાંધીનગર ખાતે સપ્ટેમ્બર મહિનાના જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વાગત કાર્યક્રમમાં લોક સમસ્યાને વાચા આપતાં વિવિઘ ૧૧ પ્રશ્નો રજૂ થયા હતા. જેમાં ગટર વ્યવસ્થાપન, જમીન ફાળવણી, દબાણ, બેન્ક વ્યવહારની અનિયમિતતા, જમીન માપણી સંલગ્નનાં પ્રશ્નોની રજૂઆત જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ થકી જિલ્લા કલેકટર હિતેષ કોયાએ સર્વે અરજદારોની વાત તેમના સ્વમુખે સાંભળી હતી. જે પ્રશ્નની રજૂઆત થાય તે અંગે સંબંઘિત અધિકારીઓ પાસે તેનો પ્રત્યુત્તર સાંભળ્યો હતો. તેમજ અરજદારોના પ્રશ્નનો ઉકેલ શકય હોય તેટલો ઝડપી થાય તે માટે અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.