ત્રણ માસ અગાઉ મહેસાણા નજીકના શો રૂમમાં 16.23 લાખની ચોરી કરી ફરાર થયો હતો
મહેસાણા શહેર નજીક આવેલા અમદાવાદ હાઇવે પર શિવાલા સર્કલ નજીક રિયા કાર્સ પ્રા.લી નામના શો રૂમમાં ત્રણ માસ અગાઉ એક અજાણ્યા તસ્કરે શો રૂમના પાછળના દરવાજે આવી ઓફિસમાંથી 16.23 લાખની ચોરી કરી રફુચક્કર થઈ ગયો હતો. સમગ્ર મામલે તસ્કરને ઝડપવા તમામ એજન્સીઓ કામે લાગી હતી ત્યારે આખરે તસ્કરને મહેસાણા એલસીબી ટીમે દબોચી લીધો હતો
LCB એ દેશી તમંચા અને ગોળીઓ સાથે ઝડપ્યો
મહેસાણા અમદાવાદ હાઇવે પર રિયા હુંડાઈમાં ચોરી કરનાર મધ્યપ્રદેશની ગેંગના મુખ્ય સૂત્રધારને મહેસાણા એલસીબી ટીમે બાતમી આધારે મહેસાણા બાયપાસ નજીકથી દેશી તમંચા અને ગોળીઓ સાથે ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન ચોરીમાં બીજા ત્રણ સાગરીતો પણ સંડોવાયેલા હોવાનું તેમજ અન્ય 7 જગ્યાએ ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
ચોરી કરેલા રુપીએ પોતાના વતન MPમાં મત્સ્ય ઉદ્યોગ ચાલુ કર્યો
16 લાખની ચોરીમાં ઝડપાયેલા મુખ્ય સૂત્રધાર મુકેશ ઇન્દ્રપાલસીંગ ખેગરની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે તેને ચોરીના રૂપિયા સાગરીત સંતોષ મયાદીન વિશ્વકર્માએ સરખા ભાગે વહેંચી લીધા હતા અને આ નાણાનું એમના ગામના સરપંચ સાથે મળીને ભાગીદારીમાં શરૂ કરેલા મત્સ્ય ઉદ્યોગમાં રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું.
ચોરી કરવા હથિયાર હંમેશા સાથે રાખતો
મહેસાણા તાલુકા પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે ઝડપાયેલા મુકેશ ખેગરે એવી કબૂલાત કરી છે કે રિયા હુંડાઈમાં ચોરી કરી રકમ સંતોષ અને મુકેશે 50-50 ટકા વહેંચી લીધા હતા અને બંને મિત્રોએ મધ્યપ્રદેશના સતના જિલ્લાના મજગાવ તાલુકાના સફીટોલા ચૈરેહી ચીતહરા મોડ નામના ગામે સરપંચ સાથે ભાગીદારીમાં શરૂ કરેલા મત્સ્ય ઉદ્યોગમાં રૂ30 લાખનું રોકાણ કર્યું હતું. બીજી તરફ મુકેશ ચોરી કરવા સમયે હથિયાર હંમેશા સાથે રાખતો હોવાનું પણ સામે આવ્યું છે.