Live 24 News Gujarat
જુઓ ગુજરાતના મહત્વના સમાચારો
Responsive Menu
Add more content here...

મહેસાણાની ખારી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય ખડકાતા દ્રષ્ટિ ફાઉન્ડેશને બીડું ઉઠાવ્યું

Written by

નદીની સફાઈ માટે અંદાજે 6 મહિનાનો સમય લાગશે, દરરોજના 35 સફાઈ કામદારો કામે લગાડાશે

ઉત્તર ગુજરાતનું પાટનગર ગણાતું મહેસાણા શહેર હાલ દિવસેને દિવસે વિકાસની હરોળમાં આગળ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં પ્રવેશ કર્યા પહેલાજ શરૂઆતમાં આવતી ખારી નદી આકર્ષણનું કેન્દ્ર બની છે. ત્યારે આગામી સમયમાં આ ખારી નદીને દ્રષ્ટિ ફાઉન્ડેશન દ્વારા સાફ કરી આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈ જો આ નદી સાફ કરવામાં આવશે તો મહેસાણાની શોભામાં વધારો થશે.

શહેરનું ગંદુ પાણી ખારી નદીમાં ઠલવાય છે
મહેસાણામાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ન હોવાથી સમગ્ર શહેરનું ગંદુ પાણી ખારી નદીમાં ઠલવાઈ જાય છે. ત્યારે શહેરમાં આવેલી ઐતિહાસિક હેરિટેજ વાવની વિનામૂલ્યે સાફ સફાઈ કરી આપનાર દ્રષ્ટિ ફાઉન્ડેશન દ્વારા હવે ખારી નદીની વિનામૂલ્યે સાફ-સફાઈ કરી આસપાસ પ્લાન્ટેશન કરી આપવાની દરખાસ્ત કરવામાં આવી છે. જેને લઈ નગરપાલિકાના અધિકારીઓએ અને પદાઅધિકારીઓ દ્વારા મૌખિક સંમતિ આપી દેવામાં આવી છે. હવે સંસ્થા દ્વારા લેખિત પરવાનગી મળે તેની રાહ જોવાઈ રહી છે.

ખારી નદીને સાફ કરી આપવાની સંસ્થાએ ઓફર કરી હતી
દ્રષ્ટિ ફાઉન્ડેશનના દિનેશ ગૌતમે જણાવ્યું હતું કે, મહેસાણા શહેરની ખારી નદીની સફાઈ માટે વર્ષ 2020માં અમે સર્વે કર્યો હતો. જે બાબત ધ્યાનમાં આવતા અમે ખારી નદીની સફાઈનું બીડું ઉઠાવ્યું છે. મહેસાણા નગરપાલિકાને એક પણ રૂપિયાના ખર્ચ વગર આરટીઓથી સાઈબાબા મંદિર સુધીનો ખારી નદીનો આઠ કિલોમીટરના વિસ્તારમાં સાફ સફાઈ કરી આપવાની ઓફર કરી છે.

નદી આસપાસ વૃક્ષારોપણ કરાશે
દિનેશ ગૌતમે વધુમાં જણાવ્યું કે, અમારા પ્રાથમિક સર્વે મુજબ ખારી નદીના આઠ કિલોમીટરના વિસ્તારમાં ગાંડા બાવડીયા, કચરો, વરસાદમાં પુરથી આવેલો કચરો હોવાથી તેની સાફ સફાઈ માટે અંદાજે 6 મહિનાનો સમય લાગશે. 4 માસ નદીની સફાઈમાં લાગી જશે. બાકીના 2 મહિના નદી આસપાસના વિસ્તારમાં વિવિધ પ્રકારના વૃક્ષારોપણમાં લાગશે.

વિવિધ સાધનો વડે સાફસફાઈ કરાશે
ખારી નદીની સફાઈ માટે દરરોજના 30 થી 35 સફાઈ કામદારો કામે લગાડવામાં આવશે. તેમજ મશીનનો ઉપયોગ પણ કરવામાં આવશે. આ ઉપરાંત કચરો ઉપાડનાર મશીનની હેરાફેરી તથા અન્ય કામ માટેનો મેન પાવર અલગ રહેશે. આ સાફ-સફાઈની કામગીરી પાછળ અંદાજે રૂપિયા 1.50 કરોડનો ખર્ચ થશે. નદીની સફાઈ માટે JCB કન્વેયર બેલ્ટ ડ્રીમિંગ મશીન સહિતના સાધનોનો ઉપયોગ કરાશે.

નદી પટમાં અનેક પ્રકારના પક્ષીઓનો વસવાટ
મહેસાણા નજીક આવેલી ખારી નદીના પટમાં 8 કિલોમીટર સુધી વિવિધ પ્રકારના પક્ષીઓ વસવાટ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે જો આ નદીની સાફ સફાઈ કરવામાં આવે તો અન્ય પક્ષીઓ પણ અહીંયા આશરો લઇ શકે છે. ત્યારે મહેસાણાવાસીઓ પણ સ્વસ્થ નદીના કાંઠે પીકનીકની મજા માણી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *