દુનિયાભરમાં ગુરુપૂર્ણિમાના દિવસે ચાંદની વધુ જ ચમકતી જોવા મળી. આમ તો દર મહિનાની પૂનમે ચંદ્ર આખો એટલે કે ફુલ મૂન દેખાય છે, પરંતુ બુધવારની રાત્રે વર્ષનો પહેલો સુપર મૂન 15% વધુ ચમકતો જોવા મળ્યો. એનો આકાર પણ સામાન્યથી 7% મોટો દેખાયો. સુપર મૂન ત્યારે જોવા મળે છે, જ્યારે પૃથ્વી અને ચંદ્રમા વચ્ચેનું અંતર ઓછું હોય છે. આ કારણે જ ચંદ્ર વધુ મોટો અને ચમકતો દેખાય છે. આવો જ સંયોગ ગત મહિને પણ બન્યો હતો, જ્યારે પૂનમના દિવસે ચંદ્રનો રંગ સંપૂર્ણપણે લાલ થઈ ગયો હતો.
દેશની વાત કરવામાં આવે તો ગુજરાત, દિલ્હી, હરિયાણા, બિહાર અને અજમેરમાં ચંદ્રમા પૂર્ણકળાએ જોવા મળ્યો. તો દુનિયાનાં તમામ મોટાં શહેરમાં પણ એનો આકાર અને ચમક સામાન્યથી વધુ છે. રાત્રે 12 વાગ્યાને 8 મિનિટે એનો આકાર સૌથી મોટો જોવા મળ્યો.
સુપર મૂન શું છે?
સુપર મૂન એક એવી ખગોળીય ઘટના છે, જેમાં ચંદ્ર પોતાના સામાન્ય આકારથી વધુ મોટો જોવા મળે છે. BBCના રિપોર્ટ મુજબ સુપર મૂન નોર્મલ ચંદ્રની તુલનાએ 7% મોટો દેખાય છે, સાથે જ એ 15% વધુ ચમકદાર પણ નજરે પડે છે. સુપર મૂન દર વર્ષે ત્રણથી ચાર વખત જોવા મળે છે.
સુપર મૂન જોવાનું કારણ પણ ઘણું જ રસપ્રદ છે. આ દરમિયાન ચંદ્ર ધરતીનું ચક્કર લગાવતાં લગાવતાં એની કક્ષાની ઘણી જ નજીક આવી જાય છે. આ સ્થિતિને પેરિજી (Perigee) કહેવાય છે. તો ચંદ્ર ધરતીથી દૂર થાય તો તેને અપોજી (Apogee) કહેવામાં આવે છે. એસ્ટ્રોલોજર રિચર્ડ નોલે પહેલી વખત 1979માં સુપર મૂન શબ્દનો ઉપયોગ કર્યો હતો.
આગામી ત્રણ દિવસ જોવા મળશે ફુલ મૂન
અમેરિકી સ્પેસ એજન્સી નાસાના જણાવ્યા મુજબ, આગામી ત્રણ દિવસ પણ ચંદ્ર ધરતીની નજીક જ જોવા મળશે, જેને ફુલ મૂન કહેવાય છે, પરંતુ આ હકિકતમાં પૂર્ણિમા નહીં હોય. માત્ર ચંદ્રના આકારને કારણે તે ફુલ મૂન જેવો લાગશે.
સુપરમૂન હવે પછી આવતા વર્ષે 3 જુલાઈના રોજ જોવા મળશે. સુપર મૂન અને પૂનમ એકસાથે આવે એ દુલર્ભ છે, તેથી આજે સુપર મૂન જોવાનો લહાવો દરેકે લેવો જોઈએ.