રાજકોટ શહેરમાં લુખ્ખા અને આવારા તત્વોને પોલીસનો કોઈ ખૌફ જ ન હોય તેમ નજીવી બાબતે છરી જેવા હથિયારો વડે જીવલેણ હુમલો કરતા પણ ખચકાટ અનુભવતા નથી. ત્યારે વધુ એક બનાવ શહેરમાં બુધવારની સમીસાંજના અક્ષર માર્ગ મેઇન રોડ પર બનવા પામ્યો હતો.
પૈસાની લેતીદેતી બાબતે પાનની દુકાન પાસે બે શખસોએ સરાજાહેર પટેલ યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો સાથે જ યુવાનને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્રને પણ મારમાર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જો કે ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે.
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક નજીક રીયલ પ્રાઇમ એપાર્ટમેન્ટ બી વીંગ ફ્લેટ નંબર 304 માં રહેતા મૌલિક ઉર્ફે ભોલો ચંદુભાઈ કાકડીયા(ઉ.વ.33) નામના યુવાન પર બુધવારે સમી સાંજના અક્ષર માર્ગ પાસે શિવ પાન નજીક હાર્દિકસિંહ જાડેજા તથા દીપ લાઠીયા નામના શખસે ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો જેમાં યુવાનને પડખાના ભાગે, હાથના ભાગે મળી કુલ છરીના ત્રણ જેટલા ઘા ઝીંકી દીધા હતા. દરમિયાન યુવાનને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્ર દિવ્યેશને પણ આરોપીઓએ મારમાર્યો હતો. બનાવના પગલે અહીં લોકો એકત્ર થઈ જતા આ બંને શખસો નાસી ગયા હતા બાદમાં ઘવાયેલા યુવાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જો કે યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
મૌલિક ઉર્ફે ભોલો એક બહેન બે ભાઈના પરિવારમાં મોટો છે અને તે આજીડેમ ચોકડી પાસે કારખાનામાં ઇમિટેશનનું કામ કરે છે. યુવા. બુધવારે સાંજે કારખાનામાં તેની સાથે કામ કરતા મિત્ર દિવ્યેશ સાથે બાઈક પર જઈ રહ્યો હતો દરમિયાન હાર્દિકસિંહ જાડેજાનો ફોન આવ્યો હતો અને તેણે યુવાનને અહીં અક્ષર માર્ગ પાસે શિવ પાન પાસે બોલાવ્યો હતો. મૌલિક ઉર્ફે ભોલાને હાર્દિકસિંહ પાસેથી રૂ.4 હજાર લેવાના હોય આ બાબતે તેણે તેને બોલાવ્યો હતો. જેમાં યુવાન અને તેનો મિત્ર અહીં આવ્યા બાદ થોડી વારમાં હાર્દિકસિંહ અને દીપ લાઠીયા આવ્યા હતા. આ બંનેએ પૈસા બાબતે યુવાન સાથે બોલાચાલી શરૂ કરી દીધી હતી ત્યારબાદ ઉશ્કેરાઇ હાર્દિકસિંહે છરી કાઢી યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો.