– ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે 35 ડેમ ઓવરફ્લો, 207 ડેમમાં 60 ટકા પાણી
ગુજરાતમાં ચોમાસાની પહેલી જ સિઝનમાં અત્યારસુધી 22 ઈંચ સાથે મોસમનો 66 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જુલાઇ માસમાં જ સીઝનનો 60 ટકાથી વધુ વરસાદ નોંધાયો હોય તેવું 2017ના વર્ષ બાદ પ્રથમવાર બન્યું છે. એ વખતે જુલાઇના અંત સુધીમાં 26 ઈંચ સાથે સીઝનનો 81 ટકા વરસાદ નોંધાયો હતો. બીજી તરફ ગત વર્ષે 25 જુલાઇ સુધીમાં રાજ્યમાં સીઝનનો 27 ટકા વરસાદ માંડ વરસ્યો હતો.રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે જળાશયોમાં 25 જુલાઈ સુધીમાં 60.08 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,11, 555 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 63.32 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
35 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ
35 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે 41 જળાશયોમાં 70 ટકાથી 100 ટકાની વચ્ચે, 33 જળાશયોમાં 50 ટકાથી 70 ટકાની વચ્ચે, 41 જળાશયોમાં 25 ટકાથી 50 ટકાની વચ્ચે, 56 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે. રાજ્યમાં 35 જળાશયો 100 ટકાથી વધુ જ્યારે 18 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. 08 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર તથા 14 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.
24 કલાકમાં 201 તાલુકાઓમાં વરસાદ થયો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમા બેચરાજીમાં 4 ઈંચ, ધનસુરા 4 ઈંચ, દહેગામ, બાયડ, ભિલોડા, પેટલાદ, દાંતા અને માણસામાં સાડાત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે તલોદ, આણંદ, કડી, ચાણસ્મા, કલોલ અને સતલાસણામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. અંકલેશ્વર, મહેસાણા, માલપુર, હાંસોટ, હાલોલ, જાંબુઘોડા, કડાણા, ખાનપુર, ધાનેરા, થરાદ અને અમદાવાદ શહેરમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
દાહોદ જિલ્લામાં 8 ઈંચ સાથે વરસાદનું પ્રમાણ માત્ર 29 ટકા
ગુજરાતમાં ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ જોઈએ તો, કચ્છમાં 21 ઈંચ, ઉત્તરગુજરાતમાં 14 ઈંચ, મધ્યગુજરાતમાં 18 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં 47 ઈંચ, સૌરાષ્ટ્રમાં 17 ઈંચ વરસાદ થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 22 ઈંચ વરસાદ થયો છે. ગુજરાતના 28 તાલુકામાં 40 ઈંચથી વધુ, 74 તાલુકામાં 19.72 થી 39.96, 107 તાલુકામાં 9.88 થી 19.68, 39 તાલુકામાં 4.96થી 9.84 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યમાંથી હાલ માત્ર 3 તાલુકા એવા છે જ્યાં 2 થી 4.92 ઈંચ વચ્ચે છે.ઈંચ પ્રમાણે વલસાડમાં સૌથી વધુ 83 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ દાહોદ જિલ્લામાં 8 ઈંચ સાથે વરસાદનું પ્રમાણ માત્ર 29 ટકા છે.