- મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકમાં આખરે ઘીના ઠામમાં ઘી ભળ્યું
- કેશુભાઇના નામ સાથે કેટલાક ડિરેક્ટરો સંમત ના હોઇ ધમાસાણ : ભાજપ પ્રમુખ અને વિજાપુર ધારાસભ્યની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો
મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકમાં આગામી અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેન માટે સોમવારે યોજાયેલી બેઠકમાં પક્ષના મેન્ડેટ મુજબ વિનોદભાઇ પટેલ ચેરમેન પદે પુન: બિનહરીફ ચૂંટાયા હતા. જોકે, વાઇસ ચેરમેન પદે ડિરેક્ટર અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ (સુંઢીયા)નો મેન્ડેટ હોવા છતાં વાઇસ ચેરમેન દશરથભાઇ પટેલ (સોખડા)એ પણ ફોર્મ ભરતાં રાજકીય ધમાસાણ મચ્યું હતું. અધિકાંશ ડિરેક્ટરો દશરથભાઇ પટેલને જ વાઇસ ચેરમેનપદે રિપીટ કરવા માંગતા હોઇ કેશુભાઇને મનાવવા આખી લોબીએ કવાયત હાથ ધરી હતી
અઢી કલાક સુધી ચાલેલા રાજકીય ડ્રામામાં અંદરો અંદર બોલચાલ અને ખેંચમતાણ સાથે પ્રદેશ સુધી લોબિંગ માટે ફોન રણકતા રહ્યા હતા. તો સતત એન્ટી ચેમ્બરમાં આવન જાવન જોવા મળી હતી. જોકે, આ કસરતના અંતે ઘીના ઠામમાં ઘી ભળ્યું અને દશરથભાઇ પટેલે ફોર્મ પરત ખેંચી લેતાં કેશુભાઇ પટેલને વાઇસ ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. રૂ.2200 કરોડની ડિપોઝિટ અને વર્ષ દહાડે રૂ.1700 કરોડનું ધિરાણ કરતી મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકમાં આગામી અઢી વર્ષ ચેરમેન અને વાઇસ ચેરમેનની ટર્મ માટે ડિરેક્ટરોની ચૂંટણી બેઠક પ્રાંત અધિકારી એમ.બી. પટેલની અધ્યક્ષતામાં સવારે 11 વાગે મળી હતી.
જેમાં બેંકના 16 ડિરેક્ટરો પૈકી 14 ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના મેન્ડેટ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલ સહિત આગેવાનો બેઠકના પ્રારંભે આવ્યા હતા. બંધબારણે યોજાયેલી બેઠકમાં મેન્ડેટ મુજબ ચેરમેન પદે વિનોદભાઇ પટેલ એક જ ફોર્મ ભરાતાં ચેરમેન તરીકે રિપીટ થયા હતા.
જ્યારે વાઇસ ચેરમેન પદ માટે મેન્ડેટ મુજબ કેશુભાઇ પટેલ (સુંઢીયા)એ ફોર્મ ભર્યું હતું, વર્તમાન વાઇસ ચેરમેન દશરથભાઇ પટેલે પણ ફોર્મ ભરતાં વિવાદ ખડો થયો હતો. અધિકાંશ ડિરેક્ટરો દશરથભાઇના સમર્થનમાં ઉતરી આવ્યા હતા અને સમાધાન, લોબિંગના પ્રયાસો અંદરખાને ચાલ્યા હતા. બેઠકના દોઢ કલાક બાદ હોલમાં વિજાપુર ધારાસભ્ય રમણલાલ પટેલ, કડી ધારાસભ્ય કરશનભાઇ સોલંકી પણ આંતરિક ગુફ્તેગુ કરી થોડીવાર પછી હોલમાંથી બહાર આવી ગયા હતા. પરંતુ અંદર ખેચતાણ ચાલુ હતી.
એક તબક્કે ચૂંટણી અધિકારીએ મતપેટીઓ પણ તૈયાર કરાવી હતી
તંત્રએ એક તબક્કે મતપેટી તૈયાર કરી, બીજી તરફ સમાધાનની ચર્ચા ચાલતી હતી. છેવટે 1.45 વાગે મામલો શાંત પડ્યો અને હમ સાથ સાથે હૈ…ની જેમ ચેરમેન વિનોદ પટેલ અને વાઇસ ચેરમેન કેશુભાઇ પટેલને ફુલહાર પહેરાવી ડિરેક્ટરોએ વધામણાં કરી જાણે અંદર કંઇક જ બન્યું નથી તેવો મેસેજ મીડિયા સમક્ષ વ્યકત કર્યો હતો. બેઠકમાં ડિરેક્ટર ડી.જે. પટેલ (પાટણ) તેમજ પ્રોફેશનલ ડિરેક્ટર વી.વી. પટેલ ગેરહાજર રહ્યા હતા. જ્યારે ચૂંટાયેલા 10 ડિરેક્ટરલ, રાજ્ય સહકારી બેંક પ્રતિનિધિ કાંતિભાઇ પટેલ (ખોડિયાર), 2 પ્રોફેશનલ ડાયરેક્ટર, જિલ્લા રજીસ્ટ્રાર મળી કુલ 14 ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.
મેન્ડેટમાં સૌનો “સાથ’ લેવા એક અને દોઢ વર્ષની ફોર્મ્યુલા; જોકે જિલ્લા ભાજપ પ્રમુખ, વા.ચેરમેને કહ્યું-આવી કોઇ ફોર્મ્યુલા નથી
ખેડૂતોને આ વખતે 15 ટકા ડિવિડન્ડ ચૂકવીશું : ચેરમેન
ભાજપના વહીવટમાં બેંકની આર્થિક સદ્ધરતા વધી છે. અગાઉ નુકસાન કરતી હતી, તે નફો કરતી થઇ એટલે ખેડૂતોને ગત વર્ષે 12 ટકા ડિવિડન્ડ આપ્યું હતું, આ વખતે 15 ટકા ડિવિડન્ડની જાહેરાત કરી છે. આગામી અઢી વર્ષ અમે ચેરમેન અને કેશુભાઇ વાઇસ ચેરમેન પદે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના મેન્ડેટથી પદ સંભાળી બેંકને વધુ સદ્ધર બનાવવા પ્રયાસો કરીશું અને ખેડૂતોને શૂન્ય ટકાએ ધિરાણ કેવી રીતે મળી રહે તેવા પ્રયાસો કરાશે.> વિનોદભાઇ પટેલ,, પુન: નિયુક્ત ચેરમેન
પાર્ટી મેન્ડેટ મુજબ ચેરમેન,વાઇસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા
જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલે કહ્યું કે, કોઇ ફોર્મ્યુલા નથી. પાર્ટી મેન્ડેટ મુજબ બિનહરીફ ચેરમેન, વાઇસ ચેરમેન ચૂંટાયા છે. આનંદથી મેન્ડેટને વધાવી લીધું છે. કોઇ ડિરેક્ટરમાં નારાજગી નથી. જ્યારે બિન સત્તાવાર સૂત્રો મુજબ, વાઇસ ચેરમેનમાં 24 જુલાઇ 2023 સુધી કેશુભાઇ પટેલ અને પછીના દોઢ વર્ષ દશરથભાઇ પટેલ એવી આંતરિક ગોઠવણ કરાઇ છે. જોકે, પ્રાંત કચેરીના સૂત્રોએ કહ્યું કે, આગામી અઢી વર્ષ ચેરમેન અને વાઇસ ચેરમેન માટેની ચૂંટણીમાં એક-એક ઉમેદવાર હોઇ બિનહરીફ ચૂંટાયા છે.
મેન્ડેટ પ્રમાણે જ અમલ કરવાનો છે, કોઇ ફોર્મ્યુલા નક્કી કરી નથી
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના મેન્ડેટ મુજબ જ ચૂંટણી થઇ છે. અમે બેંકના હિતમાં કામ કરીશું, કોઇ ફોર્મ્યુલા નક્કી કરી નથી. લાંબો સમય એટલે ચાલ્યું કે, લોકોએ બહુ મસ્તીથી ચર્ચા કરી. ગત અઢી વર્ષના વિકાસની વાતો કરી, ચર્ચાના અંતે બધાએ આ મેન્ડેટને આનંદથી વધાવી લઇ, સ્વીકારી લઇ નિમણૂંક કરી છે. ગ્રાહકો માટે, ખેડૂતો માટે જ બેંક કામ કરશે. કોઇ ફોર્મ્યુલા નક્કી નથી કરી. મેન્ડેડ પ્રમાણે જ અમલ કરવાનો છે.- કેશુભાઇ પટેલ, નવનિયુક્ત વાઇસ ચેરમેન
બેઠકમાં હાજર ડિરેકટરો
1.વિનોદભાઈ રણછોડભાઈ પટેલ
2.દશરથભાઇ જીવણદાસ પટેલ
3.નવિનચંદ્ર જગજીવનદાસ પટેલ
4 પંકજભાઈ હરિભાઈ પટેલ
5.ઈશ્વરભાઈ જીવાભાઈ પટેલ
6. અજાભાઈ ધનાભાઈ કટારિયા
7. કેશવલાલ મફતલાલ પટેલ
8. ભાઇલાલભાઇ પ્રભુદાસ પટેલ
9. તુષારભાઈ નટવરલાલ પટેલ
10. દિપકભાઇ પ્રહલાદભાઇ પટેલ
11. કાન્તિભાઈ લાલજીભાઇ પટેલ
12. હરેશભાઈ શાંતિલાલ કંસારા
13. પ્રવિણભાઇ અમૃતલાલ પટેલ
14. નિમેષ પટેલ જિલ્લા રજીસ્ટ્રાર