બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડનો ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે અમદાવાદમાં NSUIના કાર્યકરોએ લઠ્ઠાકાંડને લઈને ઉગ્ર સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. NSUIના કાર્યકરોએ દેશી દારૂની પોટલી જેવી પાણીની પોટલી બનાવીને ઉછાળી હતી. વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. બીજી તરફ બાપુનગરમાં યુથ કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીનું પુતળું બાળવામાં આવ્યું હતું.
યુથ કોંગ્રેસે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું પુતળું બાળ્યું
બોટાદમાં થયેલ લઠ્ઠાકાંડ મુદ્દે ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે પૂતળા દહન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.યુથ કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું હતું કે, બોટાદના લઠ્ઠાકાંડની ઘટના માટે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સીધી રીતે જવાબદાર છે. આજે દેશમાં ગુજરાત નશાનો અડ્ડો બની રહ્યું છે. વારંવાર હજારો કરોડના ડ્રગ્સ પકડાય છે અને ઠેર ઠેર દારુના અડ્ડા ધમધમી રહ્યા છે. ત્યારે ચોક્કસ પણે લાગી રહ્યું છે કે સરકાર યુવાનોને રોજગાર આપવાની જગ્યાએ નશાના રવાડે ચડાવી દેવા માંગે છે. યુથ કોંગ્રેસ આ મુદ્દે આક્રમક્તાથી લડશે અને ગુજરાતના યુવાનોને જાગૃત કરશે.
પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી
શહેરમાં ગુજરાત યુનિવર્સિટીની બહાર NSUIના કાર્યકરોએ બોટાદમાં થયેલ લઠ્ઠાકાંડનો વિરોધ કર્યો હતો. વિરોધ કરતા જ પોલીસે તાત્કાલિક કાર્યકરોની અટકાયત કરી હતી.આ દરમિયાન કેટલાક કાર્યકરોએ રસ્તા પર બેસીને પાણીની બનાવેલી પોટલીઓ ફેંકી હતી. પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકરોની ટીંગાટોળી કરી હતી. બાદમાં તેમની અટકાયત કરી લેવાઈ હતી.
સરકારના કોઈ નેતા બોલવા તૈયાર નથી
આ અંગે NSUI ના નેતા સંજય સોલંકીએ જણાવ્યું હતું કે NSUI ગૃહમંત્રીનું રાજીનામુ માંગી રહ્યું છે. અમે આજે રસ્તામાં જે રીતે જાહેરમાં દારૂનું વેચાણ થાય તે રીતે જ દારૂનું પ્રદર્શન કર્યું હતું. સરકારના કોઈ નેતા આ અંગે બોલવા તૈયાર નથી. અમે હજુ આ મામલે ઉગ્ર વિરોધ કરીશું.