ગુજરાતમાં મતદાનની તારીખ જાહેર થવાની બાકી, પરિણામ 8 ડિસેમ્બરે આવવાની શક્યતા
ઈલેક્શન કમિશનરે પ્રેસ કોન્ફરન્સ શરૂ કરી દીધી છે. આજે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કતામાં મતદાન કરવામાં આવશે. 12 નવેમ્બરે મતદાન કરવામાં આવશે અને 8 ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે. આમ, હિમાચલ પ્રદેશ વિધાનસબા ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે આવી જશે.
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે, બંને રાજ્યોના પરિણામ 8 ડિસેમ્બરે જ જાહેર થશે
હિમાચલ પ્રદેશમાં મતદાનની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને 12 નવેમ્બરે મતદાન થશે જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. આ 26 દિવસના ગેપ વચ્ચે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાશે. હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે એક જ દિવસે જાહેર થશે. સંભાવના એવી છે કે નવેમ્બરના અંતમાં એક તબક્કો અને ડિસેમ્બરની 1 થી 5 તારીખ વચ્ચે બીજો તબક્કો એમ બે તબક્કામાં ગુજરાતમાં મતદાન થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ 20 ઓક્ટોબર પછી જાહેર થાય એવી સંભાવના છે.
હિમાચલ વિધાનસભાનો કાર્યકાળ 8 જાન્યુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે
હિમાચલ વિધાનસભાનો કાર્યકાળ 8 જાન્યુઆરીએ પૂરો થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં કુલ 68 વિધાનસભા બેઠકો છે. તેમાં 20 બેઠકો અનામત છે. 17 બેઠકો અનુસૂચિત જાતિ (SC) માટે અને 3 બેઠકો અનુસૂચિત જનજાતિ (ST) માટે રિઝર્વ છે. 2017 માં ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે વિજય મેળવીને સરકાર બનાવી હતી. ચૂંટણીમાં ભાજપે 44 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. એક સીટ સીપીઆઈએમ અને બે સીટો અપક્ષ ઉમેદવારોએ જીતી હતી.
ચૂંટણીપંચે અગાઉ પ્રેસ-કોન્ફરન્સથી આપી હતી માહિતી
ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે પ્રેસ-કોન્ફરન્સમાં માહિતી આપતાં કહ્યું હતું કે આ વખતે અમે દિવ્યાંગ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને નવા મતદાતાઓ પર નજર કેન્દ્રિત કરી રહ્યા છીએ. ગુજરાતના મતદાતાઓને મતદાન કરવાની અપીલ પણ કરી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતમાં દર 1000 પુરુષની તુલનામાં 934 મહિલા છે. ગુજરાતમાં 11,800 મતદાતા 100 વર્ષની ઉંમર ધરાવે છે.