અમેરિકાના મોન્ટગોમરી કાઉંટ, મેરીલેન્ડમાંથી એક ભયંકર તસ્વીર સામે આવી છે.
અમેરિકાના મેરિલેન્ડમાં રવિવારે રાતે એક નાનકડું વિમાન વીજળીના થાંભલામાં ઘૂસી ગયું અને ત્યારબાદ હજારો લોકોના ઘરમાં બત્તી ગૂલ થઈ ગઈ. આ ઘટનામાં હજુ ઘાયલ હોવા અંગેની કોઈ જાણકારી સામે આવી નથી. બે લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરાયા છે.
આ પ્લેન ક્રેશના કારણે સમગ્ર મોન્ટગોમરી કાઉન્ટીમાં 90 હજાર ઘરો અને કોમર્શિયલ એકમોની વીજળી જતી રહી. જેનો અર્થ એ છે કે કાઉન્ટીના એક ચતુર્થાંશ ભાગના લોકો વીજળી સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. મોન્ટગોમરી કાઉન્ટીના પોલીસ વિભાગે ટ્વીટ કરીને કહ્યું કે રોથબરી ડો એન્ડ ગોશેન આરડી વિસ્તારમાં એક નાનકડું વિમાન વીજળીના થાંભલા સાથે અથડાયું. જેના કારણે કાઉન્ટીમાં વીજળી ગૂલ થઈ ગઈ. એમ પણ કહ્યું કે મહેરબાની કરીને આ વિસ્તારથી દૂર રહો કારણ કે અહીં અનેક તાર છે, જેમાં કરન્ટ પસાર થઈ રહ્યો છે.
વોશિંગ્ટન પોસ્ટના જણાવ્યાં મુજબ વરસાદની સીઝન હોવાના કારણે વિમાન કોમર્શિયલ એરિયાની નજીક ક્રેશ થઈ ગયું. હાલ એ જાણકારી નથી કે આ અકસ્માત કેમ થયો. એક અંદાજા મુજબ વિમાન કદાચ 10 માળ ઊંચા વીજળીના તાર સાથે ટકરાયું હશે. હાલ તેની તરત પુષ્ટિ થઈ શકી નથી. વિમાન અકસ્માતની તપાસ થઈ રહી છે.