Live 24 News Gujarat
જુઓ ગુજરાતના મહત્વના સમાચારો
Responsive Menu
Add more content here...

માં શક્તિનું મહાપર્વ એટલે ચૈત્રી નવરાત્રી @live24newsgujarat

Written by

ચૈત્રી પ્રતિપદાથી નોમ સુધી અથવા આસો માસની પ્રતિપદાથી નોમ સુધીના નવ દિવસ; નોરતાં. આ દિવસોએ હિંદુ લોકો નવ દુર્ગાનું વ્રત, ઘટસ્થાપન તથા પૂજન વગેરે કરે છે. હિંદુઓ નવરાત્રને પહેલે દિવસે ઘટસ્થાપન કરે છે અને દેવીનું આવાહન તથા પૂજન કરે છે. આ પૂજન નવ દિવસ સુધી ચાલે છે. નવમે દિવસે ભગવતીનું વિસર્જન થાય છે. કેટલાક લોકો નવરાત્રમાં વ્રત પણ કરે છે. ઘટસ્થાપન કરનારા આઠમ કે નોમને દિવસે કુમારીભોજન પણ કરાવે છે. આ ભોજનમાં બેથી દશ વર્ષની ઉમરની નવ કુમારિકાઓ હોય છે. આ કુમારીઓનાં કલ્પિત નામ પણ છે. જેમકે, કુમારિકા, ત્રિમુર્તિ, કલ્યાણી, રોહિણી, કાલી, ચંડિકા, શાંભવી, દુર્ગા અને સુભદ્રા. નવરાત્રમાં નવ દુર્ગામાંથી નિત્ય ક્રમવાર એક-એક દુર્ગાનું દર્શન કરવાનું પણ વિધાન છે

 

વર્ષમાં ચાર વાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. જેના નામ વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી છે. આમાં આસો મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય છે અને વસંત કાળમાં વસંત નવરાત્રીની ઉજવણી થાય છે જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

૧. ચૈત્રી નવરાત્રી: શક્તિ ના નવ સ્વરૂપોની રીતે નવ દિવસોમાં સમર્પિત થયેલો ઉત્સવ છે. આ તહેવાર વસંતઋતુ (માર્ચ-એપ્રિલ)માં ઉજવાય છે. તેને ચૈત્ર નવરાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવ દિવસોના ઉત્સવને રામ નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.

૨. ગુપ્ત (અષાઢ) નવરાત્રી: ગુપ્ત નવરાત્રી, જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી પણ કહેવાય છે, જે અષાઢ (જૂન-જુલાઇ) મહિનામાં શક્તિ ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરીને ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીને અષાઢ શુક્લ પક્ષ (અષાઢ સુદ – અજવાળીયું) દરમ્યાન અનુસરવામાં આવે છે.

૩. શરદ (આસો) નવરાત્રી: આ ખુબ જ મહત્વની નવરાત્રી છે. તેને સામાન્ય રીતે મહા નવરાત્રી કહેવાય છે અને તેની ઉજવણી આસો મહિનામાં થાય છે. તેને શરદ નવરાત્રી પણ કહેવાય છે, કારણકે તેની ઉજવણી શરદ ઋતુમાં અશ્વિન શુક્લ પક્ષ (આસો સુદ – અજવાળીયું) થાય છે માટે.

૪. પુષ્ય (પોષ) નવરાત્રી: પુષ્ય નવરાત્રી પોષ (ડિસેમ્બર-જાન્યુઆરી) મહિનામાં શક્તિ (માતૃદેવીઓ)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. પુષ્ય નવરાત્રી પોષ શુક્લ પક્ષ (પોષ સુદ – અજવાળીયું) દરમ્યાન ઉજવવામાં આવે છે.

વસંત ઋતુ (ઉનાળાની શરૂઆત) (માર્ચ-એપ્રિલ) દરમિયાન આ ઉત્સવની ઉજવણી થાય છે. તેને ચૈત્ર કે ચૈત્રી નવરાત્રી પણ કહેવાય છે, કારણકે કે ચૈત્ર માસમાં આ ઉત્સવ આવે છે.

 

 

નવરાત્રી એટલે નવ રાત્રીનું પર્વ. વર્ષમાં ચાર વખત આવે છે માં શક્તિનું આ મહાપર્વ. હિંદુ મહિના પ્રમાણે આસો, ચૈત્ર મહા અને અષાઢ મહિનામાં ઉજવાતી નવરાત્રી શક્તિ સંપ્રદાયની વિવિધ પ્રચલિત રીતો પ્રમાણે ઉજવવામાં આવે છે.

 

આધ્યાત્મિક દ્વષ્ટિએ ચૈત્રી નવરાત્રીનું મહત્વ સવિશેષ છે. ચૈત્ર સુદ પૂનમથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીમાં માં અંબાજીના પવિત્ર સ્થાન અંબાજીના ચાંચર ચોકની યજ્ઞશાળા ખાતે શત્ ચંડી યજ્ઞ તથા અન્ય પૂજાઅર્ચના આયોજિત કરવામાં આવે છે.

ચૈત્રી નવરાત્રીમાં દેવી દર્શન, ઓમ હવન અને માનસિક પૂજાઅર્ચનાનું ખુબ મહત્વ છે. ઘણાં લોકો આઠ દિવસ અને નવ રાત્રી સુધી એક પાત્રમાં જવારા વાવીને કે અખંડ દીપ પ્રજ્વલિત કરીને માં શક્તિની આરાધના કરતા હોય છે.

ચૈત્ર નવરાત્રી વસંત ઋતુમાં આવતી હોવાથી તેને ‘વાસન્તી નવરાત્રી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચૈત્ર મહિનાની નવરાત્રીના આઠમના દિવસે શક્તિ સ્વરૂપા માં ભવાનીનું પ્રાગટ્ય થયું હોવાથી આ નવરાત્રીનું વિશેષ મહત્વ છે.

ચૈત્ર નવરાત્રીમાં દાન, પૂજન તેમજ દેવીની આરાધના જરૂરથી કરવી જોઈએ. આ દિવસે ભગવાન નારાયણના નાભિમાંથી કમળ ઉત્પન્ન થયું હતું, જેમાંથી સૃષ્ટિના રચિયતા બ્રહ્મદેવનું પ્રાગટ્ય થયું. ભગવાન સ્કંધના વર્ણન મુજબ અશ્વિન મહિનાનાં નોરતાએ બ્રહ્માજીનો દિવસ શરૂ થાય છે અને ચૈત્રી નવરાત્રીએ તેમનો દિવસ (6 મહિને) પૂરો થતા રાત્રી શરૂ થાય છે.

ચૈત્રી નવરાત્રીની નવમીએ ભગવાન શ્રી રામચંદ્રનું પ્રાગટ્ય થયું હોવાથી આ નવરાત્રીને ‘રામ નવરાત્રી’ પણ કહેવાય છે. માતા શક્તિએ જુદાં જુદાં રૂપ લઈને નિર્ણાયક કાર્યો સંપન્ન કર્યાં હતા તેથી તે અલગ અલગ નામે પૂજાય છે.

શરીર તથા આસપાસની આસુરી શક્તિના નાશ માટે દુર્ગા સ્વરૂપનું પૂજન કરવું જરૂરી છે અને પૂજન દરમિયાન માં પાસે સાચા ભાવથી દેવી શક્તિ મેળવવા માટે નવ સ્વરૂપની નવ દુર્ગાનું પૂજન કરીને શક્તિ મેળવવી જરૂરી છે. નવદુર્ગાના નવ સ્વરૂપોમાં શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માન્ડા, સ્કંદ માતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રીનો સમાવેશ થાય છે.

ચૈત્રી નવરાત્રીમાં શ્રી દેવીસુક્તમ્, શક્રાદય સ્તુતિ તથા દુર્ગા સપ્તશતીના પાઠ કરવા સર્વ પ્રકારે લાભદાયી છે. આ પાઠનું શ્રવણ માત્ર કોઈપણ જીવનું જીવન સુખમય બનાવી શકે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *