બોટાદના પાળીયાદમાં વૃદ્ધાની દુષ્કર્મ આચરી હત્યા કરાઈ
લોકોમાં માનવતા ભૂલાઈ છે. લોહીના સંબંધોને લોકો સાચવી શક્તા નથી, તો પછી બહાર તો શું. માણસ દિવસેને દિવસે ક્રુર બની રહ્યો છે. કેટલાક લોકોમાં વિકૃતિ પેદા થઈ રહી છે. ઘરના વડીલોને જ્યાં પૂજવામા આવે છે, ત્યાં એક નરાધમે 81 વર્ષીય વૃદ્ધા પર નજર બગાડી હતી. બોટાદ જિલ્લાના પાળીયાદ ગામે ૮૧ વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. 81 વર્ષીય વૃદ્ધાનું દુષ્કર્મ કરી તેમની ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. જોકે, બોટાદ પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને પકડી પાડ્યો હતો
બન્યું એમ હતું કે, આ બનાવ 3 જુનના રોજ બન્યો હતો. બોટાદ જિલ્લાના પાળીયાદ ગામે 81 વર્ષીય ધનીબેન મોહનભાઈ મેતલીયા પોતાના મકાનમાં એકલા રહેતા હતા. ગઈકાલે બપોર બાદ ધનીબેનનો મૃતદેહ તેમના ઘરમાંથી મળ્યો હતો. પાળીયાદ બસ સ્ટેન્ડ સામે ખોડીયાર માતાજીના મઢ પાસે રહેતા ધનીબેનની તેમના જ મકાનમાં દુષ્કર્મ કરી હત્યા કરાઈ હતી. વૃદ્ધા સાથે દુષ્કર્મ કરાયા બાદ તેમનુ ગળુ દબાવીને ગળે ફાંસો અપાઈ હતો. જેથી તેમનુ મોત નિપજ્યુ હતું. ભોગ બનનાર મૃતક મહિલાને એક દીકરો તેમજ ત્રણ દીકરી છે. તમામ દીકરીઓ હાલ સાસરે છે. જ્યારે દીકરો વડોદરા ખાતે રહે છે. પાળીયાદ ખાતે મૃતક એકલા રહેતા હતા. તેથી વૃદ્ધાની મોતની જાણ થતા જ તેમના સંતાનો પણ દોડી આવ્યા હતા. તો બીજી તરફ, પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક આરોપીની શોધખોળ હાથ ધરી હતી. તાત્કાલિક અસરથી ડીવાયએસપી મહર્ષિ રાવલ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ ઘટના બાદ બોટાદ પોલીસ દોડતી થઈ હતી. આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરાયા હતા. વૃદ્ધાની હત્યાને લઈને પાળીયાદ પોલીસે નાકાબંધી કરી અલગ અલગ ટીમો બનાવી હતી. આરોપીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે ગણત્રરીની કલાકોમાં આરોપી હરેશભાઈ વેલશીભાઈ ગાબુને પાળીયાદ ગામના વાડી વિસ્તારમાંથી દબોચી લીધો હતો. પાળીયાદ પોલીસે હત્યારાને પકડી વધુ તપાસ હાથ ધરી છે. આઈપીસી કલમ 302, 376 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહિ હાથ ધરી છે