અંબાજી ભાદરવા પૂનમના મેળાની ઓળખ સમા પગપાળા યાત્રા સંઘોનો અવિરત પ્રવાહ માં અંબાના ધામમાં જય અંબેના જયઘોષ સાથે ઉમટી રહ્યો છે.
મેળાના ચોથા દિવસે મહેસાણા દેલા વસાહતનો GJ 2 પગપાળા યાત્રા સંઘ અંબાજી પહોંચ્યો હતો. જેમાં 80 જેટલાં માઇભક્તો જોડાયેલા હતાં. છેલ્લા સાત આઠ વર્ષથી આ સંઘ અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પગપાળા સંઘ રૂપે આવે છે. સંઘમાં આવતા માઇભક્ત મુકેશભાઈને ત્યાં દીકરી અવતરણની વધામણી રૂપે માં અંબાને 201 ફૂટની ધજા ચડાવવાની માનતા પૂર્ણ કરવા સંઘ આવ્યો છે. દરવર્ષે આ સંઘ અંબાજી આવે છે ત્યારે ગત વર્ષે મુકેશભાઈએ પોતાને ત્યાં દીકરી આવશે તો માં અંબાને 201 ફૂટની ધજા ચડાવશે એવી માનતા રાખી હતી.
રાજ્ય સરકાર દ્વારા દીકરી જન્મની વધામણી માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવે છે. વ્હાલી દીકરી યોજના થકી આજે રાજ્યમાં દીકરી દીકરા એક સમાનની ભાવના પ્રબળ અને મજબૂત બની છે.